જીવન પ્રમાણ મારફતે ઘરે બેઠાં આપના કોમ્પ્યુટર પર અથવા નજીકના જીવન પ્રમાણ સેન્ટર (નાગરિક સેવા કેન્દ્ર) ઉપર જઈને એમ બે રીતે હયાતીની ખરાઈ થઈ શકે છે. તે માટેની પોસ્ટ આપે વાંચી હશે. પરંતુ, તે પદ્ધતિ પૈકી કોમ્પ્યુટર પર હયાતિની ખરાઈમાં ટેકનિકલ જ્ઞાન ઓછું હોય તો મુશ્કેલી પડી શકે છે.

જેથી પેન્શનરો કોઈ કચેરી કે બેંકની મુલાકાત લીધા વગર ઘર આંગણે હયાતિની ખરાઈ કરાવી શકે તે માટે ગુજરાત સરકારે સુવિધાના વધુ વિકલ્પો આપેલા છે. આ માટે  નાણા વિભાગ દ્વારા તા. 12/04/2022 ના ઠરાવથી સૂચનાઓ આપેલી છે. તે સુવિધાઓ પૈકીની એક એટલે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને Face Authentication Technique દ્વારા જીવનપ્રમાણ મારફતે ડીજીટલ જીવનપ્રમાણ સર્ટીફીકેટ જનરેટ કરવાની સુવિધા.

આવો જાણીએ કે આ Face Authentication Technique નો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ કઈ રીતે જનરેટ કરી શકાય ?

ફેસ ઓથેન્ટીકેશન  ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવા માટે ઓછામાં ઓછી નીચે મુજબની સુવિધાવાળા મોબાઈલ ફોનની જરૂરીયાત રહેશે.

Android 8.0 or above,

RAM – 4+ GB,

Storage – 64 GB ( Minimum 500 MB free storage space),

Camera Resolution – 5MP or greater,

Face RD Service (AadhaarFaceRd) Facility

Internet Connectivity

સૌપ્રથમ Google Play Store પરથી AadhaarFaceRD એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક – https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd છે. એકવાર Rd સેવા સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થઈ જાય, પછી તે સેટિંગ્સમાં SettingsApp Info મેનુમાં દેખાશે.

હવે https://jeevanpramaan.gov.in/package/download લિંક ઉપર ક્લિક કરી જીવન પ્રમાણ ફેસ એપ્લિકેશન વર્ઝન – ૩.૬ ડાઉનલોડ કરવાની રહેશે.

જીવન પ્રમાણ એપ્લિકેશનની લિંક ઉપર ક્લિક કરી એપ્લિકેશન ખોલો અને બધી જરૂરી પરવાનગીઓ આપો.

હવે એક ‘ઓપરેટર ઓથેન્ટિકેશન’ સ્ક્રીન દેખાશે, જ્યાં તમારે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ સાથે તમારા આધાર અથવા વર્ચ્યુઅલ આઈડીની વિગતો આપવાની આવશ્યકતા રહેશે.

જરૂરી વિગતો ઉમેરી ‘સબમિટ’ પર ક્લિક કરવાનું રહેશે અને તમારા આપેલા મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરવાનો રહેશે.

હવે તમારા ચહેરાને ઓપરેટર તરીકે સ્કેન કરો અને ચહેરાની સફળતાપૂર્વક ઓળખ થવાથી સ્ક્રીન ઉપર એક પોપ-અપ મેસેજ દેખાશે “ક્લાયન્ટ રજીસ્ટ્રેશન સક્સેસફુલ”. આ ઓપરેટર ઓથેન્ટિકેશન એ એક જ વખત કરવાની પ્રક્રિયા છે અને ત્યારબાદ સંખ્યાની કોઇ મર્યાદા વગર પેન્શનરોના DLC જનરેટ કરી શકાશે.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરનું આધાર મુજબનું પુરુ નામ, પેન્શનનો પ્રકાર (સર્વિસ, ફેમિલી વગેરે), ગુજરાતના પેન્શનરશ્રીઓ માટે પેન્શન મંજૂર કરનાર સત્તાધિકારી (State Government – Gujarat), પેન્શન ચુકવણા કરનાર સત્તાધિકારી (Gujarat Treasury – Sub Treasury),  પેન્શન ચુકવણા કરનાર કચેરી (સબંધિત જિલ્લાની જિલ્લા તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણા કચેરી, જે લાગુ પડતું હોય તે), પીપીઓ (પેન્શન પેમેન્ટ ઓર્ડર) નંબર અને બેંક ખાતા નંબર વગેરે વિગતો ઉમેરવાની રહેશે. આ વિગતો ઉમેર્યા બાદ પેન્શનરશ્રી પુન: નોકરીમાં જોડાયેલા (Re-Employed) છે કે નહીં? અને પુન: લગ્ન (Re-Marriage) કરેલ છે કે કેમ? તેની વિગતો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહે છે.

હવે એપ ઉપર દેખાતા કન્ફર્મેશન મેસેજનો સ્વીકાર કરો અને લાઈવ ફોટોગ્રાફ માટે તમારા ચહેરાને સ્કેન કરવા ‘ગાઈડ ફેસ ઓથેન્ટિકેશન’ ચેકબોક્સ ઉપર ક્લિક કરી ‘પ્રોસીડ’ ઉપર ક્લિક કરો.

ચહેરાનું પ્રમાણીકરણ (Identification) કરતી વખતે ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસતા, ચહેરો સીધો રાખવો જરૂરી રહેશે. ચહેરાની સફળતાપૂર્વક ઓળખ થતાં, તમારા પ્રમાણ આઇડી અને પીપીઓ નંબર સાથે સ્ક્રીન પર ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) સબમિશન સફળતાપૂર્વક થઈ ગયું છે, તેવો સંદેશો દેખાશે.

આમ, પેન્શનર/ફેમીલી પેન્શનરશ્રીઓ ખૂબ જ સરળતાથી નિયત પ્રકારના મોબાઈલથી, અન્ય સંસાધનોની મદદ વગર જ, હયાતીની ઓનલાઇન ખરાઇ કરી શકશે.

ફેસ ઓથેન્ટીકેશન  ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવાની સરળ સમજૂતી આપતો નીચેનો વિડીયો જોઈ શકો છો.

નોંધ:  આ વીડીઓમાં કેન્દ્ર સરકારના પેન્શનરોને ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. પરંતુ, ગુજરાત સરકારે આ પદ્ધતિ માન્ય કરેલ હોવાથી ગુજરાત સરકારના પેન્શનરોને પણ લાગુ પડે છે.