સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના તારીખ: ૨૦/૯/૧૯૬૭ના ઠરાવ ક્રમાંક: હનપ/૧૧૬૭-ક મુજબ સરકારી કર્મચારીઓએ હિન્દી પરીક્ષા કરવા બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે.
⇒ કઈ પરીક્ષા કોણે આપવી ફરજીયાત છે?
હીન્દી પરીક્ષાઓ નીચે બતાવેલ ત્રણ પ્રકારની છે. અને તેની નીચે દર્શાવેલ સરકારી અધિકારી કર્મચારીએ પાસ કરવાની રહે છે.
(૧) ઉચ્ચ શ્રેણી પરીક્ષા:
જેમને રાજ્ય ભાષામાં નોંધ લેખન અને મુસદ્દા લેખન કરવાનું હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓએ એટલે કે,
ગુજરાત સરકારના વહીવટી નિયંત્રણ હેઠળના અખિલ ભારતીય સેવાઓના સભ્યો અને જુદી જુદી રાજ્ય સેવાઓના રાજ્યપત્રિત અધિકારીઓ.
ભૂતપૂર્વ મુંબઈ સરકારના રાજકીય અને સેવકગણ વિભાગના તારીખ ૦૨/૦૭/૧૯૫૫ અને ૧૦/૦૯/ ૧૯૫૫ના ઠરાવ તથા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ૧૨/૦૭/૧૯૬૨ ના ઠરાવ સાથે જોડેલ વખતોવખત સુધાર્યા પ્રમાણેના પત્રક “એ” માં દર્શાવેલી વર્ગ-૩ની જગ્યાઓ ધરાવનારાઓ અને સચિવાલયના તાબાની સેવાઓમાં ઉપલા વિભાગના કર્મચારીઓ અને સચિવાલયમાંના સ્ટેનોગ્રાફર.
(૨) નિમ્ન શ્રેણી પરીક્ષા:
જેઓ હિન્દી ભાષામાં જવાબ તૈયાર કરી શકતા હોય, પરંતુ જેમને સામાન્ય રીતે નોંધલેખન અને મુસદ્દાલેખનની કામગીરી વધુ પ્રમાણમાં કરવાની ન હોય તેવા એટલે કે,
સચિવાલયના તાબાની સેવાઓમાંના બારનીશીના વડા અને ટાઈપીસ્ટ સહિત નીચલા વિભાગના કર્મચારીઓ અને સામાન્ય વહીવટી વિભાગના ઉપર જણાવેલ વખતોવખત સુધારેલ તારીખ ૧૨/૦૭/૧૯૬૨ ના ઠરાવ સાથે જોડેલ પત્રક “એ” અને “બી” માં સમાવિષ્ટ ન હોય તેવા વર્ગ-૩ની જગ્યા ધરાવનારા કર્મચારીઓ.
(૩) બોલચાલ શ્રેણી પરીક્ષા:
જેમને માટે રાજ્યભાષામાં નોંધલેખન અને મુસદ્દાલેખન કરવુ અપેક્ષિત ન હોય પરંતુ રાજ્યભાષા બોલી શકવી જરૂરી હોય તેવા કર્મચારીઓ એટલે કે,
ભૂતપૂર્વ મુંબઈ સરકારના રાજકીય અને સેવક વિભાગના તારીખ ૦૨/૦૭/૧૯૫૫ અને ૧૦/૦૯/ ૧૯૫૫ના સરકારી ઠરાવ તથા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તારીખ ૧૨/૦૭/૧૯૬૨ ના ઠરાવ સાથે જોડેલા વખતોવખત સુધાર્યા પ્રમાણેના પત્રક “બી” માં જણાવેલ વર્ગ-૩ની જગ્યા ધરાવનારાઓ અને વર્ગ-૪ ની સેવાના કર્મચારીઓ.
ખાતાના કે કચેરીના વડાનું યોગ્ય લાગે તો જે ઉમેદવાર માટે નિમણૂક શ્રેણી કે બોલચાલ શ્રેણીની થઈ હોય તેને તેનાથી ચડતી શ્રેણીનું એટલે કે અનુક્રમે ઉચ્ચ અને નિમ્ન શ્રેણીની પરીક્ષાનું બેસવાની છૂટ આપી શકશે.
⇒ પરીક્ષા પાસ કરવાની મૂદત:
દરેક કર્મચારીએ પોતાના માટે નિયુકત થયેલી શ્રેણીની હિન્દી પરીક્ષા તેની પ્રથમ નિમણૂકની તારીખથી ત્રણ વર્ષની અંદર પાસ કરવાની રહે છે.
જે સરકારી કર્મચારીને નિમ્ન શ્રેણીની હિન્દી પરીક્ષા પાસ કરવી જરૂરી હોય તેવી જગ્યા પરથી ઉચ્ચ શ્રેણી પરીક્ષા પાસ કરવી જરૂરી બને તેવી જગ્યા પર બઢતી મળી હોય તો તેણે આવી બઢતી મળ્યાની તારીખથી બે વર્ષની અંદર ઉચ્ચશ્રેણીની પરીક્ષા પાસ કરવાની રહેશે.
સરકાર ખાસ કારણોસર આ પરીક્ષા પાસ કરવાની મુદત લંબાવી શકશે.
વર્ગ-૪ સિવાયના જે કર્મચારી, નિયત મુદ્દતની અંદર હિન્દી પરીક્ષા પાસ નહીં કરે તો તેના ઇજાફા, તે પછી જ્યાં સુધી પરીક્ષા પાસ ન કરે ત્યાં સુધી અટકાવવાને પાત્ર બનશે.
વર્ગ-૪ના કર્મચારી નિયત મુદતમાં હિન્દી પરીક્ષા પાસ નહીં કરે તો તેને બઢતી મળે તેમ હશે તો તે પરીક્ષા પાસ ન કરે ત્યાં સુધી અટકાવાશે. નાણા વિભાગના તારીખ ૦૪/૦૩/૨૦૦૯ના સ્પષ્ટતા પત્ર મુજબ વર્ગ-૪ના કર્મચારી નિયત મુદ્દત બાદ હિન્દી પરીક્ષા પાસ કરે તો પણ તેને પાત્રતાની તારીખથી જ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાનું રહે છે.
ઉપરોક્ત દર્શાવ્યા મુજબ તારીખ ૨૦/૯/૧૯૬૭ના મૂળ ઠરાવમા ફકરા ક્રમાંક-(૩) માં હિન્દી ભાષા પરીક્ષાઓમાંથી મુક્તિ મળવા અંગે નિયત કર્યા પ્રમાણે કેટલીક શૈક્ષણિક લાયકાતને ધોરણે જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ, ત્યારબાદ વખતો વખત સામાન્ય વિભાગના તારીખ ૨૯/૦૫/૧૯૬૮ના સુધારા, તારીખ ૦૨/૦૯/૧૯૬૮ના સુધારા, તારીખ ૨૧/૦૫/૧૯૮૫ ના ઠરાવ, તારીખ ૨૩/૦૨/૧૯૮૮ના સુધારા ઠરાવ તથા તારીખ ૦૧/૧૨/૧૯૭૧ ના ઠરાવ હેઠળ કરેલા આંશિક સુધારા બહાર પાડતાં તે અંગે ખાતા કે કચેરીઓને ગેરસમજ ઊભી થતાં જરૂરી માર્ગદર્શન મેળવવા અંગે ભાષા નિયામક કચેરીમાં પૂછાણ કરવામાં આવતા ભાષા નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આ બાબતે માર્ગદર્શન પ્રસિદ્ધ કરેલ છે. “GAS Cadre” ના વાચકો માટે તે અહીં આપવામાં આવેલ છે.
નીચે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા સંબંધિત કર્મચારીઓને જે તે શ્રેણીની હિન્દી પરીક્ષામાંથી મુક્તિ આપી શકાય તે અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
(૧) ઉચ્ચશ્રેણીની પરીક્ષામાંથી મુક્તિ બાબત
જે સરકારી કર્મચારીઓએ સરકાર માન્ય નીચે દર્શાવેલી ખાનગી સંસ્થાની હીન્દી પરીક્ષાઓ પૈકી એક પાસ કરેલ હોય તેમને આ શ્રેણીની પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપી શકાય છે.
રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાની “કોવિદ” પરીક્ષા
હિન્દુસ્તાની પ્રચાર સભા, વર્ધા અને મુંબઈની “કાબિલ” પરીક્ષા
મહારાષ્ટ્ર રાષ્ટ્રભાષા પ્રચાર સભાની ચોથી પરીક્ષા એટલે કે પ્રવિણ પરીક્ષા
દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભા, કર્ણાટકની હિન્દી પ્રચાર સભા ધારવાડ દ્વારા લેવાયેલી ચોથી પરીક્ષા એટલે કે “પ્રવેશિકા” પરીક્ષા
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદની “વિનીત” પરીક્ષા
√ જેમની માતૃભાષા હિન્દી હોય તેવા સરકારી કર્મચારીઓએ એસએસસી કે તેની સમકક્ષ પરીક્ષા હાયર લેવલ હિન્દી વિષય સાથે પાસ કરી હોય તેને ઉચ્ચ શ્રેણી હિન્દી પરીક્ષા માંથી મુક્તિ મળી શકે છે.
√ જે સરકારી કર્મચારીએ એસએસસી કે તેની સમકક્ષ પરીક્ષા હિન્દી વિષય સાથે અથવા પ્રિ-યુનિવર્સિટી પરીક્ષા હિન્દી વિષય સાથે પાસ કરી હોય અને તે ઉપરાંત તેણે ત્રિવાર્ષિક ડિગ્રી અભ્યાસક્રમના પ્રથમ વર્ષની પરીક્ષા કે તેની સમકક્ષ પરીક્ષામાં વૈકલ્પિક, મુખ્ય, અથવા ગૌણ હિન્દી વિષયમાં ૩૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવી આ પરીક્ષા પાસ અથવા નાપાસ થયા હોય તેવા કર્મચારીઓને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ મળી શકે છે. પરંતુ, એ શરતે કે આ ત્રિવાર્ષિક ડિગ્રીની પ્રથમ વર્ષની પરીક્ષાના પ્રમાણપત્રમાં હિન્દી વિષયના અલગ ગુણ આપવામાં આવ્યા હોય તો જ મુક્તિ આપી શકાય.
√ જે સરકારી કર્મચારી વૈધાનિક યુનિવર્સિટીની ડિગ્રી કે તેથી ઉચ્ચકક્ષાની પરીક્ષામાં હિન્દી ને ફરજિયાત કે વધારાના વિષય તરીકે રાખી અથવા શિક્ષણ પદ્ધતિમાં હિન્દી રાખી પાસ થયેલ હોય તેને ઉચ્ચ શ્રેણી હિન્દી પરીક્ષા માંથી મુક્તિ મળી શકે છે.
(૨) નિમ્ન શ્રેણીની પરીક્ષામાંથી મુક્તિ બાબત
જે સરકારી કર્મચારીઓએ સરકાર માન્ય નીચે દર્શાવેલી ખાનગી સંસ્થાની હીન્દી પરીક્ષાઓ પૈકી એક પાસ કરેલ હોય તેમને આ શ્રેણીની પરીક્ષામાંથી મુક્તિ આપી શકાય છે.
રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાની “પરિચય” પરીક્ષા
હિન્દુસ્તાની પ્રચાર સભા, વર્ધા અને મુંબઈની “તીસરી” પરિક્ષા.
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદની “તીસરી” પરીક્ષા
મહારાષ્ટ્ર રાષ્ટ્રભાષા સભાની “ત્રીજી” પરીક્ષા.
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાજકોટ દ્વારા લેવાયેલી “તીસરી” પરીક્ષા.
√ જે સરકારી કર્મચારીએ એસએસસી અથવા કોઈ વૈધાનિક સંસ્થાની સમકક્ષ પરીક્ષા હિન્દી વિષય સાથે પાસ કરી હોય તેને નિમ્ન શ્રેણીની હિન્દી પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ મળી શકે. તેમાં આ એસએસસી પરીક્ષા હિન્દી વિષય સાથે ક્યારે પાસ કરી તે જોવું જરૂરી નથી.
(૩) બોલચાલ શ્રેણીની પરીક્ષામાંથી મુક્તિ બાબત
જે સરકારી કર્મચારીઓને સરકાર માન્ય નીચે દર્શાવેલ ખાનગી સંસ્થાની હીન્દી પરીક્ષાઓ પૈકી એક પાસ કરેલ હોય તેને બોલચાલ શ્રેણીની પરીક્ષામાંથી મુક્તિ આપી શકાય છે.
હિન્દુસ્તાની પ્રચાર સભા, વર્ધા અને મુંબઈની “દૂસરી” પરીક્ષા
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદની “દૂસરી” પરીક્ષા
મહારાષ્ટ્ર રાષ્ટ્રભાષા સભા, પુનાની “બીજી” પરીક્ષા
દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાની કર્ણાટક હિન્દી પ્રચાર સભા, ધારવાડ દ્વારા લેવાયેલી “બીજી” પરીક્ષા.
સૌરાષ્ટ્ર સભા રચનાત્મક સમિતિ, રાજકોટ દ્વારા લેવાયેલી “દૂસરી” પરીક્ષા.
√ જે સરકારી કર્મચારીઓએ ધોરણ ૭(સાત) કે તેની સમકક્ષ પરીક્ષા હિન્દી વિષય સાથે પાસ કરી હોય તેને બોલચાલ શ્રેણીની પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ મળી શકે છે.
√ જે જગ્યાની ફરજો મશીનરી કાર્યપદ્ધતિ સાથે સંકળાયેલી હોય તેવી જગ્યાઓના ભરતી નિયમોમાં જો આવી જગ્યા માટેની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધોરણ ચાર પાસની હોય તેવી જગ્યા પરના કર્મચારીઓને બોલચાલ શ્રેણીની વાતચીતની પરીક્ષા આપવાની રહેશે અને શ્રુતલેખનની પરીક્ષામાંથી મુક્તિ મળી શકે છે.
ભાષા નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આ બાબતે માર્ગદર્શન આપેલ છે તે ફાઈલ નીચેની લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.