પેન્શનરશ્રીઓને ઘરની બહાર નીકળવું ન પડે અથવા ઘરથી નજીકના જ કોઈ સ્થળેથી હયાતીની ખરાઈ થઈ જાય, તે માટે જીવન પ્રમાણ પોર્ટલ મારફતે હયાતીની ખરાઇ ઉપર ભાર મૂકવામાં આવેલ છે. જીવન પ્રમાણ એ ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારોના, કેન્દ્ર શાસિત પ્રદેશોના અને અન્ય પેન્શનરો ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકે, તે માટે ઊભી કરવામાં આવેલી આધાર નંબર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણની ઓનલાઇન સુવિધા છે.

જીવન પ્રમાણ મારફતે ઘરે બેઠાં અને નજીકના જીવન પ્રમાણ સેન્ટર (નાગરિક સેવા કેન્દ્ર) ઉપર જઈને પણ એમ બે રીતે હયાતીની ખરાઈ થઈ શકે છે. જીવન પ્રમાણ મારફતે હયાતીની ખરાઈ કરાવવા નીચે મુજબની વિગતો તથા સાધનોની આવશ્યકતા રહેશે.

  1. કમ્પ્યુટર/લેપટોપ કે સ્માર્ટફોન
  2. જીવન પ્રમાણ સોફ્ટવેર કે એપ્લિકેશન
  3. બાયોમેટ્રિક ડિવાઈસ
  4. પેન્શનરનું નામ
  5. પેન્શનનો પ્રકાર (સર્વિસ, ફેમિલી વગેરે)
  6. પેન્શન મંજૂર કરનાર સત્તાધિકારી (State Government – Gujarat)
  7. પેન્શન ચુકવણા કરનાર સત્તાધિકારી (Gujarat Treasury – Sub Treasury)
  8. પેન્શન ચુકવણા કરનાર કચેરી (સબંધિત જિલ્લાની જિલ્લા તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણા કચેરી, જે લાગુ પડતું હોય તે)
  9. પીપીઓ (પેન્શન પેમેન્ટ ઓર્ડર) નંબર
  10. બેંક ખાતા નંબર

ઘરે બેઠા ઓનલાઈન હયાતીની ખરાઇ

પેન્શનરશ્રીએ પોતાના કમ્પ્યુટર/લેપટોપમાં અહી ક્લિક કરીને યોગ્ય સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું રહે છે. આ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે ઇ-મેઇલ એડ્રેસ આપવું ફરજિયાત છે.

સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ પહેલાં આધાર નંબર, મોબાઈલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસની વિગતો ઉમેરવાની રહેશે. આ વિગતો ઉમેર્યા બાદ એક ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ – One Time Password) આવશે. આ ઓટીપી નિયત જગ્યાએ દાખલ કર્યા બાદ ઉપરોક્ત ક્રમ 4 થી 10 મુજબની વિગતો ઉમેરવાની રહેશે.

આ વિગતો ઉમેર્યા બાદ પેન્શનરશ્રી પુન: નોકરીમાં જોડાયેલા (Re-Employed) છે કે નહીં? અને પુન: લગ્ન (Re-Marriage) કરેલ છે કે કેમ? તેની વિગતો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહે છે.

ઉક્ત વિગતો ઉમેર્યા બાદ આધારની બાયોમેટ્રિક વિગતો સાથે ચકાસણીની સહમતી માટે ચેક બોક્સ ઉપર ટીક કરવાનું રહે છે. આટલી વિગતો ઉમેર્યા બાદ “Scan Finger (સ્કેન ફિંગર)”ના વિકલ્પ ઉપર ક્લિક કરી, આંગળી સ્કેન કરવાની રહે છે. આંગળી સ્કેન કરવા માટે બાયોમેટ્રિક ડિવાઈસની જરૂરિયાત રહે છે. જીવન પ્રમાણ સાથે કયા બાયોમેટ્રિક ડિવાઈસ કોમ્પીટીબલ છે, તેનું લિસ્ટ અહી ક્લિક કરવાથી પેઇજ નંબર – ૧૪ ઉપર મળી શકશે. આંગળીની સ્કેન કરેલી બાયોમેટ્રિક વિગતો આધારના ડેટા સાથે સફળતા પૂર્વક મેચ થતાં ઇલેક્ટ્રોનિક ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ આધાર કાર્ડમાં આપેલા ફોટો સાથે જનરેટ થઈ સબમીટ થઈ જશે. ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ સબમીટ થતા તેનો એક નંબર જનરેટ થશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકાશે.

આ જ રીતે મોબાઇલમાં “UMANG – ઉમંગ” એપ્લિકેશન (https://web.umang.gov.in/web) મારફતે પણ ઉપર દર્શાવેલ વિગતો અને બાયોમેટ્રિક ડિવાઈસની મદદથી ઓનલાઈન હયાતીની ખરાઈ થઈ શકે છે.

જીવન પ્રમાણની સુવિધા પૂરી પાડતા નાગરિક સેવા કેન્દ્ર મારફતે હયાતીની ખરાઈ

પેન્શનરશ્રી પોતાની નજીકનું નાગરિક સેવા કેન્દ્ર શોધવા માટે https://findmycsc.nic.in/csc/ લિંક ઉપર ક્લિક કરી સ્થળની વિગતો અથવા પોતાના વિસ્તારનો પીન કોડ નંબર નાખી, તેઓના વિસ્તારમાં કઈ જગ્યાએ નાગરિક સેવા કેન્દ્ર ઉપલબ્ધ છે, તેની વિગતો મેળવી શકે છે. આ ઉપરાંત મોબાઈલ નંબર – 7738299899 ઉપર JPL 123456 (JPL પછી સ્પેસ અને ત્યારબાદ પોતાના વિસ્તારનો પીન કોડ) ટાઇપ કરી સાદો ટેક્સ્ટ મેસેજ કરીને પણ નજીકના નાગરિક સેવા કેન્દ્રનું એડ્રેસ અને સંપર્ક નંબર જેવી વિગતો મેળવી શકશે.

નાગરિક સેવા કેન્દ્ર ઉપર જરૂરી વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત તેઓએ પુનઃ નોકરીમાં જોડાયેલા છે કે કેમ? અને પુનઃ લગ્ન કરેલ છે કે કેમ? આ બંને વિગતો પણ આપવાની રહેશે.

ઉક્ત તમામ વિગતો આપ્યા બાદ આધાર બાયોમેટ્રિક વેલીડેટ કરાવવાના રહેશે. અહીં આંગળાની છાપ – ફિંગર પ્રિન્ટની વિગતો આધારની બાયોમેટ્રિક વિગતો સાથે સફળતા પૂર્વક મેચ થતાં ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ જનરેટ થઈ સબમીટ થઈ જશે. આ સુવિધા આપવા માટેનાગરિક સેવા કેન્દ્ર તેનો સરકારશ્રી દ્વારા નિયત ચાર્જ લઇ શકે છે.

ખાસ નોંધ: –

  1. જીવન પ્રમાણ મારફતે ઓનલાઇન ખરાઇ કરાવતી વખતે પેન્શનરશ્રીના આધાર કાર્ડમાં અને પેન્શન ચૂકવણા હુકમમાં નામ સરખા હોય તે આવશ્યક છે, અન્યથા વિસંગતતા વાળા ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ અમાન્ય રહી શકે છે.
  2. જીવન પ્રમાણ વિશે કોઈપણ મુશ્કેલી માટે ૧૮૦૦ ૧૧૧ ૫૫૫ તથા ૦૧૨૦-૩૦૭૬૨૦૦ નંબર ઉપર અને jeevanpramaan@gov.in ઇ-મેઇલ ઉપર સંપર્ક કરી શકાય છે.